Friday, January 23, 2015

રજવાડા અને બ્રીટીશ અમલદારો : સોના મહોરો મેળવવાનો કીમીયો

રજવાડાની વાત શ્રી બિરેન કોઠારીએ લખી એટલે મને લગભગ ચાલીસેક વર્ષ પહેલાની એક વાત યાદ આવી ગઈ. એ વખતે હું વડોદરાની પોલીસ ટ્રેનીંગ સ્કુલના વાઈસ પ્રીંસીપલ તરીકે નિયુક્ત થયો હતો. સમય ઘણો મળતો હતો અને મને મરાઠી ભાષા પ્રત્યે ઘણો લગાવ હતો, બચપનમાં મરાઠી ભાષામાંથી અનુવાદ થયેલા ઘણાં પુસ્તકો મેં વાંચેલા અને દક્ષિણ ગુજરાતમાં મહારાષ્ટ્ર તરફથી ભરતી થઈને આવેલા પોલીસ ના માણસો ઘણાં હતા, તેમની સાથે વાતચીતમાં સરળતા રહે તે માટે થોડાંક મરાઠી શબ્દો અને વાક્યો મેં શિખી લીધેલા દા.ત. કસા કાય ? કુટે જાણાર ? માલા માહીતિ નાહીં , મી જાતો , આપણ કસે આહે ? પાઉસ આલા ? સરળ ઝા " વિગેરે વિગેરે. મારૂ સસુરાલ અને નાની બહેનને પણ મુંબઈ પરણાવેલી એટલે મુંબઈ તો વારંવાર જવુ પડતુ એટલે મને થયુ ' ચાલો મરાઠી શીખી લઈએ,' અને નાશીકની પોલીસ ટ્રેનીંગ કોલેજમાંથી મરાઠી ભાષાના ઇંસ્ટ્રક્ટર તરીકે રીટાયર થયેલા એક શ્રી તિવારી અમારા કમ્પાઉંડમા જ રહેતા હોઈ, તેમને મેં મરાઠીના ટીચર તરીકે રાખી લીધા.
શ્રી તિવારી ઘણી વાર જુના જમાનાની વાતોમાં સરી પડતા , તે સાંભળવાની પણ મજા આવતી ! એક વાર તેમણે બ્રીટીશ જમાનાના રાજા રજવાડાઓની વાત માંડી.
" બ્રીટીશ જમાનામાં ડીએસપી તરીકે હંમેશા બ્રીટીશરો રહેતા. જ્યારે ડીએસપી રેસ્ટ હાઉસમાં મુકામ કરતા , ત્યારે મોટે ભાગે તેમના મેડમને પણ સાથે લાવતા. નાના નાના રજવાડાના રાજા કે ઠાકોરો આ બ્રીટીશ ડીએસ્પીને મળવા રેસ્ટ હાઉસમાં આવતા . હવે રાજા આવે , તો સત્તાધીશને કાંઈક નજરાણું તો ધરવુ પડેને ? એટલે એક મોટો ખુમચો ભરીને સોના મહોરો તેમના અંગ રક્ષક સાથે લેતા આવતા. અને ડીએસપીને ભેટ ધરતા. અંગ્રેજ ડીએસપી ઘણાં ખુશ થતા અને મેડમને બોલાવતા કહેતા, " જુઓ, નામદાર ફલાણા ફલાણા આવ્યા છે, તેઓ સોના મહોરો લાવ્યા છે, જુઓ, કેટલી સરસ છે ! " See, Madam, His Highness has arrived and has brought a khumcha full of golden sovereigns, see how beautiful ! એટલામાં મેડમ આવતા, આશ્ચર્ય ચકિત થઈ જતા અને કહેતા, " Oh, so nice, but for whom His Highness has brought the gold for , for you for me ? અરે સરસ છે ને. નામદાર રાજા સાહેબ આ બધી સોના મહોરો કોને માટે લાવ્યા છે , તમારે માટે કે મારા માટે ? " હવે નામદાર થોડાંક શરમાતા અને અંગરક્ષકને મહેલમાં પાછો મોકલી, બીજો એક સોનામહોરો ભરેલો થાળ મંગાવતા અને મેડમને ભેટ ધરતા ! --- આવો જમાનો એ હતો !

No comments:

Post a Comment