Wednesday, December 4, 2013

ભરતભાઈ આર પંડ્યા
  બી/જી/2, સુર્યા ફ્લેટ્સ, આનંદમહલ, અડાજણ, સુરત .9
   ટેલી. 9408959492                                         તા. 27.11.2012

 પોલીસ બંદોબસ્ત અને પોલીસ વેલ્ફેર ફંડ

 તા. 15.11.12ના રોજ હું સહ કુટુંબ ફ્લાઈંગરાણીમાં મુંબઈ સેંટ્રલ સ્ટેશને ઉતર્યો. , સવારના 1030 થઈ ગઈ હતી,શીવસેનાના બાળ ઠાકરેની માંદગી ઘણાં દિવસોથી લોક ચર્ચામાં તો હતી જ. આ દિવસે અફવાઓનું બજાર ઘણું ગરમ હતું. ભાઈ બીજનો તહેવાર એટલે મરાઠીઓનો મોટામાં મોટો તહેવાર.પરંતુ તેમના મોં પર તહેવારનું નૂર ન હતું. પોતાના નેતાના જીવનની અંતિમ વાસ્તવિકતા તેમના મનમાં ડોકીયા કરતી હતી.બહાર નીકળ્યા પરંતુ કોઇ ટેક્ષીવાળા મુસાફરોને લઈ જવા તૈયાર ન હતા. એક ટેક્ષી ડ્રાયવર જે મીનરવા સીનેમા પાસેથી પોતાને ઘેર જવાંબો હતો તે અમને લઈ જવા જેમ તેમ તૈયાર થયો, ટેક્ષીવાળા મોટા ભાગના બીહારીઓ એટલે તે વધુ ભયભીત હતા અને ગમે તેમ કરી પોતાના કુટુંબો પાસે પહોંચી જવા આતુર હતા. ઠેરે ઠેર પોલીસો ગોઠવાઈ ગયા હતા, બંદોબસ્ત ચાલુ થઈ ગયો હતો.                                                                                         તે દિવસ તો પુરો થયો, બીજે દિવસે વળી જોરદાર અફવાઓ ચાલુ થઈ ગઈ, વાતાવરણ ગરમ થવા માંડ્યુ, ગભરાટ વધવા માંડ્યો, બંદોબસ્ત  વધુ ગહન બનાવાયો, કોંસ્ટેબલોની સંખ્યા વધી, ફોજદારો હવે પોઇંટોપર પહેરો દેવા માંડ્યા, ટ્રાફીક માં માત્ર ખાનગી વાહનો દોડતા હતા, ગરીબ માણસોની બસો ગાયબ હતી, દુકાનો બંધ , શાકભાજીની બજારો બંધ રોજિંદી ચીજવસ્તુઓની ખરીદી અટકી પડી , હોટલો બંધ, બધે સોપો પડી ગયો હતો.બાળ ઠાકરેના અવસાન ની ખાલી જગ્યાનું દુ:ખ ઓછુ અને તોફાનોનો ભય વધુ હતો. એક મુસલમાન  દુકાનદારની દુકાન ખુલ્લી હતી, તેને દુકાન ખુલ્લી રાખવાનું કારણ પુછતા, તોફાનીઓ દુકાનમાં તોડફોડ કરે તેવો ભય બતાવ્યો, પણ મુસલમાન દુકાનદારો જ્યાં ત્રણ ચારની સંખ્યામાં હતા, તેમની દુકાનો ચાલુ હતી અને તેમને કોઇ ઉની આંચ આવી નહતી.જે ડરતા હોય તેને ગભરાવા સહેલા હોય છે, એવું મેં તાજેતરના બનાવમાં જોયુ.નવનિર્માણ આંદોલન વખતે જે દુકાનદારો લાકડીઓ લઈ સામે થતા, તેમની દુકાનો ચાલુ રહેતી ,આ દિવસે મુસલમાનોની હિંમતપર મને માન ઉત્પન્ન થયું.ત્રીજો દિવસ પણ એવો જ ગયો ,ઠેઠ ચોથા દિવસે સાંજે બાળ ઠાકરેના અવસાનના સમાચાર જાહેર  થયા,

દુકાનદારો હવે ખરે ખર ભયભીત થઈ ગયા અને કોઇ પણ ક્ષણે તોફાનીઓ રસ્તાપર આવી જશે એવી ભીતી તેમને લાગવા માંડી. તેમને યમરાજનો નહીં ગુંડારાજનો ડર હતો
પોલીસતંત્ર પણ  વધુ સાવધ થયુ આમેય તેઓ સાવધ તો હતા જ, દિવસોથી તેમનાં ખાવાના ઠેકાણાં ન્હોતા રહ્યા, આરામ મળતો ન હતો ખડે પગે ફરજ બજાવવી પડતી હતી. હોટલો બંધ, દુકાનો બંધ, શાક માર્કેટો બંધ હતા, માત્ર પોલીસ અને રેલ્વેખાતા જ ચાલતા હતા. આમે ય લોકો, જ્યારે તહેવારો ઉજવતા હોય છે, ત્યારે પોલીસ ખાતુ બંદોબસ્ત કરતુ હોય છે,   કુટુંબોથી દૂર , વાર- તહેવારોએ રજા બંધ, સંતાનોના લગ્નપ્રસંગોએ અમે તેમને માંદગીની રજા આપતા ,જેથી તેઓ ફરજ પરથી ઘરે જઈ શકે. સમાજની શાંતિ જાળવવામાં પોલીસ ખાતાનુ બલિદાન ઘણું ઉત્તમ કક્ષાનું હોય છે.ફરજ બજાવતા બજાવતા જ સ્વર્ગવાસી થવાના બનાવો ઓછા નથી, તેમને માટે  વર્ષમાં તા.          ને દિવસે શહીદ દિન મનાવવામાં આવે છે..
       


         પરંતુ સમાજ અને સરકારો પોલીસખાતાની યોગ્ય સરસંભાળ રાખતા નથી. સ્મશાનયાત્રા પુર્ણ થઈ તે દિવસે હું ગ્રાંટ રોડ પર ફરવા નીકળ્યો, એક હેડ કોંન્સ. મીનરવા પાસે ના ટ્રાફીક આઈલેંડપર  ઉભા હતા, તેને મેં પુછ્યુ કેટલા દિવસથી બંદોબસ્ત ચાલે છે ? તો કહે આજે ચાર દિવસ થયા, તમને અહીં ઉભા તો રાખ્યા પરંતો ચા-નાસ્તા- જમવાનુ શું ? તો કહે નાસ્તાનું પેકેટ મળે છે, પરંતુ જમવાની વ્યવસ્થા તો અમારે જાતે કરી લેવી પડે છે.જરા વિચાર તો કરો , દિવસો સુધી પોલીસવાળા બંદોબસ્ત કર્યા કરે અને જમવાની ગોઠવણ તેમણે જ કરી લેવાની ! પણ લારીઓ, દુકાનો અને હોટલો જ બંધ હોય, ત્યાં જમવાનું ક્યાંથી લાવવું ?મને આ સમયે બારડોલી, પલસાણા અને કામરેજ નો પટેલ સમાજ યાદ આવ્યો, મોટા બંદોબસ્ત વેળા અમે ફોન કરતા ને ગંગાધરાના જીવણભાઈ અને મિત્રો ગુણોની ગુણ  અનાજ, તેલના ડબ્બા અને બીજે ચીજ વસ્તુઓ મોકલી આપતા, જે વધે તે અમે હથીયારી પોલીસોમાં વહેંચી આપતા, બધા ખુશ ! ઉકાઈના થર્મલ કે સીપીએમમાં બન્દોબસ્ત મંગાતો ,  તો મારી પહેલી શરત એ રહેતી કે ભાઈ, બંદોબસ્ત તો આપુ, પણ મારા પોલીસ વાળાની જમવાની વ્યવસ્થા કરતા હો, તો. અને બધે વ્યવસ્થા થઇ જતી !                      
                       માત્ર મહારાષ્ટ્રમાં જ નહીં, ગુજરાતમાં પણ પોલીસવાળાઓએ ગણપતિવિસર્જન, તાબુત, રાજકિય બંધો વખતે તેમજ મુખ્યમંત્રીઓ અને વડાપ્રધાનની મુલાકાતો વખતે ભુખ્યા પેટે કલાકો સુધી ખડે પગે બંદોબસ્ત કરવો પડતો હોય છે તેમની પ્રાથમિક જરુરીયાતો પ્રત્યે દુર્લક્ષ્ય સેવવામાં આવે છે. અને સરકારોની તેમજ ઉચ્ચ અમલદારોની અપેક્ષાઓ તો  જાણે વિજળીનું બટન દબાવો અને ચમકારો થાય એવી અપેક્ષાઓ હોય છે. ફ્રાંસના સેનાપતિ નેપોલીયને એકવાર કહેલું કે લશ્કર પગપર નહીં પરંતુ પેટપર કુચ કરે છે તેમની આ જરુરીયાતો જુઓ તો જેમ નેપોલીયને આખુ યુરોપ સર કરેલુ તેમ તમે પણ તમારા બંદોબસ્તના ધ્યેયો બરાબર પૂર્ણ કરી શકો . પોલીસ ખાતામાં વેલ્ફેર ફંડમાં કરોડો રુપીયા પડ્યા છે, તે આ શુભ કાર્ય માટે વાપરી શકાય, કારણ કે તે તો આખરે પોલીસવાળાઓના જ નાણાં છે અને તેમના કલ્યાણ માટે તે વાપરવા જોઇએ. પોલીસવાળા ભુખ્યા રહે અને વેલ્ફેર ફંડ તગડુ થયા કરે, તેમાં કોઇ માનવતા કે વહિવટી કાર્યદક્ષતા નથી.   મારા સુચનપર પોલીસ ખાતુ વિચાર કરે અને જરુરી હુકમો જારી કરશે , તો પોલીસવાળાઓનો સહકાર ઓર જોશથી મળશે તેમાં કોઇ શંકા નથી.

                               
                                           ( ભરતભાઈ આર પંડ્યા )











No comments:

Post a Comment