અભિનય કળાના કસબીઓ " મુંબઈ સમાચાર " માં તા. 11.10.2017 ના રોજ પ્રગટ
ફિલ્મો તો અનેક જોઇ છે. ઘણીવાર કલાકારોના અભિનય પર આપણે ખુશ ખુશ થઇ જઇએ છીએ. તેમણે જે પાત્રો ભજવ્યા હોય છે, એવી વ્યક્તિઓને આપણે જિંદગીમાં કયાંક ને કયાંક હાલતા- ચાલતા, બોલતા, રડતા જોઇ હોય છે. એ બધુ આપણા અજાગૃત માનસમાં સંઘરાયલુ હોય છે. કોઇ કલાકારની અભિનય ચિનગારી ઉડે અને એનાથી યાદદાસ્ત જાગૃત થઇ જાય છે અને આપણે એ અભિનયને જીવંત અભિનય એવું નામ આપીએ છીએ.
સુરતના સપૂત કૃષ્ણકાંત ( કે.કે.) એ આવા જીવંત અભિનયનાં દૃષ્ટાંતોમા પોતાની આત્મકથા ગુજરા હુઆ ઝમાનાને વર્ણવ્યાં છે. તેમને પતિતા ફિલ્મમાં હીરોઇન ઉષા કિરણના લકવાથી પીડિત બાપની ભૂમિકા ભજવવાની હતી. એ વિચાર કરવા લાગ્યા કે આવા દર્દીનો અભિનય લાવવો કયાંથી? પરંતુ જેના આંખ, કાન સરવા હોય તેને દુનિયાનુ છૂપું રૂપ કયાંક ને કયાંક મળી રહે છે. એકવાર કૃષ્ણકાંત સાહેબ પરાની ટ્રેનમાં બેસી ચર્ચગટથી ખાર જતા હતાં. લોઅર પરેલ સ્ટેશન આવ્યું ત્યાં પ્લેટફોર્મ પર તેમણે એક લકવા પીડિત ભીખારી જોયો. બસ થઇ રહ્યું. કે. કે. તો ગાડીમાંથી ચાલુ ટ્રેને પ્લેટફોર્મ પર કુદી પડયા અને પેલા ભિખારીની પાછળ પાછળ ચાલવા લાગ્યા. તેનો ધ્રૂજતો હાથ, લંગડાતો પગ, થોથવાતી જીભ જોતા જ રહ્યાં. તે રેલવેનો બ્રિજ ચડયો કે કે. કે. તેની પાછળ. તેની બધી ક્રિયાઓનું બારીક નિરીક્ષણ કરતા રહ્યા. કે.કે. ઘરે પહોંચ્યા. ત્યાં આ ભીખારીની તમામ ક્રિયાઓનું ચિંતન-મનન કર્યું. અને તેની બધી ક્રિયાઓનું રિહર્સલ ઘરમાં જ કરી લીધું. બીજે દિવસે દિગ્દર્શક અમિય ચક્રવર્તીને આ ઘટના કહી અને ભિખારીની જેમ હલનચલન બોલી બધું કરી બતાવ્યું અને દિગ્દર્શક ખુશ ખુશ થઇ ગયા. સાથે સાથે કે.કે. નો જીવંત અભિનય જોઇ પ્રેક્ષકો પણ તેમના પર વારી ગયા. આ ભૂમિકા યાદગાર બની ગઇ.
બીજી ઘટના તેમણે દાગ ફિલ્મના હીરો દિલીપકુમારની કહી છે. ફિલ્મોમાં દિલીપકુમારને ખબર પડે છે કે પોતીની મા સખત બીમાર છે. એટલે તે દોડતો આવે છે. ઘરમાં જઇને જુએ તો ત્યારે મા મરી ગઇ હોય છે. આ દૃશ્યની રિહર્શલ વખતે દિલીપકુમાર ખરેખર ઘણાં આઘે ગયાં. વાસ્તવીકતા આણવા દબરથી દોડતા દોડતા આવ્યા, ખરેખર હાંફતા હાંફતા તેમણ જે અભિનય આપ્યો તે શુટિંગ સ્ટાફવાળા તેમને ભેટી પડયા હતા. આવા જીવંત અભિનયથી ફિલ્મો સફળ થતી અને કલાકારોવે પોતાને પણ પોતાનું કામ સરસ કર્યાનો આત્મસંતોષ મળતો.
- ભરતભાઇ આર. પંડયા
આનંદમહેલ સુરત.